પતરાંના શેડ નાખી બનાવવામાં આવેલું સ્મશાન
પતરાંના શેડ નાખી બનાવવામાં આવેલું સ્મશાન


  • કોરોનાના મૃતદેહોના અંતિમ વિધિના મુદ્દે સ્થાનિકોના સતત વિરોધ દેખાવો બાદ રાજ્યમાં પહેલીવાર કોરોનાના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે નર્મદા કિનારે ગોલ્ડન બ્રિજ પાસે કોવિડ સ્મશાન ઊભું કરાયું


અંકલેશ્વર. ભરૂચમાં કોરોના દર્દીની અંતિમવિધિ માટે વિવાદ સર્જાયા બાદ જિલ્લામાં કોવિડ સ્મશાન ગૃહ ઉભું કરવામાં આવ્યું છે. ગોલ્ડન બ્રિજ નર્મદા કિનારે તંત્રે પતરાના શેડ સાથે કોવિડ દર્દીના મૃતદેહના નિકાલની વ્યવસ્થા ઉભી કરી છે. ગુજરાતમાં આ પ્રથમ કોવિડ સ્મશાન ગૃહ હોવાનો દાવો કરાયો છે.

કોરોનાના દર્દી માટે અલાયદું સ્મશાનગૃહ: 

ભરૂચ જિલ્લામાં કોરોનાનાદર્દીની અંતિમ વિધિ માટે વારંંવાર વિવાદ ઉભા થતાં તંત્રે સરકારી જમીન પર સ્પેશિયલ કોવિડ દર્દીની અંતિમવિધિ માટે અલાયદું સ્મશાન ગૃહ ઉભું કર્યું છે. ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર ખાતે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં તંત્રે પાકા પ્લેટફોર્મ સાથે પતરાનો શેડ ઉભો કર્યો છે. જ્યાં કોવિડ દર્દીની અંતિમ વિધિ થઇ શકશે તેમજ નર્મદા નદીના નીચે કિનારે પણ અંતિમ ક્રિયા કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાની જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી મોડીયાએ સત્તાવાર જાહેરાત કરી હતી. જિલ્લાના ભરૂચ અને અંકલેશ્વર સ્મશાન ગૃહ ખાતે કોરોના દર્દીઓના મૃતદેહની અંતિમ ક્રિયાને લઇ સ્થાનિક રહીશોએ વિરોધ કરતા સતત ત્રણ દિવસ સુધી જિલ્લામાં હંગામો જોવા મળ્યો હતો. જેને લઇ તંત્રે આખો વિવાદ ટાળવા અલાયદું કોવિડ સ્મશાનગૃહ ઉભું કર્યું છે. રાજયમાં પ્રથમ વખત કોવિડ દર્દીઓ માટે અલાયદી સ્મશાન ગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ દિવસે વિરોધ થયો:


  • 24 જુન : જંબુસરના વૃદ્ધની અંતિમ વિધીનો વિરોધ કરાતા જંબુસર લઇ જવાયાં
  • 2 જુલાઇ : ભરૂચ શહેરના રહીશોએ કોરોનાના મૃતદેહોનો વિરોધ નોંધાવ્યો 
  • 3 જુલાઈ : અંકલેશ્વર અને ભરૂચના સ્મશાનગૃહોમાં વિરોધ વચ્ચે અગ્નિદાહ
  • 8 જુલાઈ : અંકલેશ્વરની મહિલાની ગોલ્ડનબ્રિજ પાસે અંતિમક્રિયા કરાઇ. 


કોવિડ દર્દીની અંતિમવિધિ માટે ગોલ્ડન બ્રિજ નજીક વ્યવસ્થા કરી:

ગોલ્ડન બ્રિજ ખાતે કોવિડ દર્દીના મોત બાદ અંતિમ ક્રિયા માટે સરકારી જગ્યામાં સ્મશાન ગૃહ વ્યવસ્થા કરી છે. જ્યાં કોવિડના દર્દીની અંતિમ ક્રિયા કરી શકાશે, જિલ્લામાં કોવિડ દર્દીની અંતિમ ક્રિયા માટેની આ વ્યવસ્થા પહેલી છે. જ્યાં કોવિડ ઉપરાંત અન્ય લોકો પણ અંતિમ વિધિ કરી શકશે. -ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા કલેક્ટર.