1962ના ભારત-ચીન યુદ્ધમાં 72 કલાક સુધી એકલા બોર્ડર પર લડીને, 300 ચીની સૈનિકોને મારીને શહીદ થનારા ભારતીય સૈનિક જસવંત સિંહ રાવત આજે પણ અમર છે. આ વીર ફૌજીએ એકલા હાથે ચીની સૈનિકોનો સફાયો કરી નાખ્યો હતો.Jasvant Singh


ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના બાંદયુંમાં 19, ઓગસ્ટ, 1941માં જન્મેલા ભારત માતાના આ વીર સપૂત દેશપ્રેમના રંગે એવા રંગાયા કે માત્ર 17 વર્ષની ઉંમરે સેનામાં ભરતી થવા નીકળી પડ્યા હતા. પરંતુ નાની ઉંમર હોવાના કારણે તેમને સેનામાં ભરતી કરવામાં આવ્યા ન હતા. ત્યારબાદ 20 વર્ષના થઈ ગયા બાદ વર્ષ 1960માં સેનામાં તેમણે રાઈફલમેનના પદ પર ભરતી કરવામાં આવ્યા. તેના થોડા સમય બાદ એટલે કે 1962માં ચીને અરુણાચલ પ્રદેશ પર કબજો જમાવવા હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં જસવંત સિંહ 72 કલાક સુધી લડતા રહ્યા. ત્યારબાદ દુશ્મન સૈનિકોએ એમને ઘેરી લીધા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા હતા.


ત્યાં રહેનારા જવાનો અને લોકોનું માનવું છે કે જસવંત સિંહની આત્મા આજે પણ ભારતની પૂર્વ સીમાનું રક્ષણ કરી રહી છે. તેઓ તેમને પ્રેમથી બાબા જસવંત સિંહ કહીને જ બોલાવે છે અને તેમના મંદિરમાં શીશ ઝુકાવીને જ આગળ વધે છે. જસવંત સિંહના નામ આગળ સ્વર્ગીય શબ્દ નથી લગાવવામાં આવ્યો. જસવંત સિંહ આજે પણ એમની ફરજ નિભાવી રહ્યા છે, અને દેશની સરહદની રક્ષા કરી રહ્યા છે.


અરુણાચલ પ્રદેશના તવાંગમાં બનેલા જસવંતગઢ વોર મેમોરિયલમાં જસવંત સિંહની સેવામાં ભારતીય સેનાના 5 જવાનો સતત એટલે કે 24 કલાક હાજર રહે છે. અહી તેમનું મોટું સ્મારક બનાવવામાં આવ્યું છે. અહી તેમનો દરેક સામાન સંભાળીને રાખવામાં આવ્યો છે. રોજ સવારે અને સાંજે પહેલી થાળી જસવંતસિંહની પ્રતિમાને ધરવામાં આવે છે. શહીદ જસવંતસિંહના કપડાંને રોજ ઇસ્ત્રી કરીને મૂકવામાં આવે છે તેમજ તેમના બુટ પૉલિશ કરીને રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યારે સવારે ચાદર અને અન્ય કપડાઓને જોવામાં આવે ત્યારે તેમાં કરચલી દેખાય છે, તેમજ બૂટ પૉલિશ કરીને રાખ્યા હોવા છતાં બૂટ ખરાબ થયેલા દેખાય છે.


જસવંત સિંહ રાવત ભારતીય સેનાના એક માત્ર એવા સૈનિક છે, જેમને શહીદ થયા પછી પણ પ્રમોશન મળવાનું ચાલુ રહ્યું હતું. પહેલા તેઓ કેપ્ટન અને પછી મેજરના પદ સુધી પહોચી ચૂક્યા છે. તેમના પરિવારના લોકોને જ્યારે પણ કોઈ પ્રસંગે તેમની જરૂર હોય ત્યારે તેઓ તરફથી રજા માટેની અરજી કરવામાં આવે છે અને ત્યારબાદ સેનાના જવાન તેમની તસવીરને સૈનિક સમ્માન સાથે તેમના ગામ લઈ જાય છે અને રજા પૂરી થતાં ફરીથી તેમના સ્થાને લઈ આવે છે.

ભારત માતાના આ વીર સપૂતને સલામ ..સાથે શત શત વંદન !!

જય હિન્દ !!